બાળકના ભણતર અને ઘડતર કરનારા માતા, પિતા અને શિક્ષકોનો ફાળો

  બાળકના જીવન ઘડતરના પાયો કુટુંબમાં નખાય છે. માતા-પિતા પાસેથી બાળકને ઉચ્ચ કોટિના સંસ્કારો   પ્રાપ્ત થાય તેવી પ્રેરણા હર-હંમેશા મળવી જોઈએ.  ઘરનું વાતાવરણ એકબીજાને પ્રેમ, ઉષ્મા અને હૂંફ મળી રહે તેવું માનમર્યાદવાળું, નિયમિતતા અને પ્રમાણિકતાવાળું, ઉચ્ચ આચારો, વિચારો અને વર્તનવાળું, સહનશીલતાના ગુણોવાળું, વિનય,  વિવેક અને વિદ્રતાવાળું સેવાભાવી અને કર્મનિષ્ઠ હોય તો બાળકના ઉછેરમાં ઉચ્ચ કોટિના સંસ્કારોનું સિંચન થાય છે. જે બાળકને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. આપણી જીવનશૈલીથી જ ઘર મંદિર પણ બની શકે છે. 
         બાળકને  નાનપણથી યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાન માટે અત્યંત જરૂરી છે. બાળક માતૃપ્રિય, પિતૃપ્રિય, સમાજપ્રિય અને રાષ્ટ્રપ્રિય બને તે માટેના પ્રયત્નો શિક્ષણ દ્વારા થાય છે.ભારતનો ભાવિ નાગરિક વિશ્વની પ્રગતિ સાથે કદમ રાખે એવો ઓજસ્વી અને તેજસ્વી બને, રાષ્ટ્રનો પાકો ઘડવૈયો બને.     
           બાળક શાળામાં પ્રવેશ કરે છે તે બાળકનો બીજો જન્મ છે. ગુરુજન સર્જનહાર અને પાલનહારની ભૂમિકા અદા કરે છે. એક અશિક્ષિત અને એક શિક્ષિત વચ્ચેના પવિત્ર સબંધો બંધાય છે. શિક્ષકો પોતાનું જીવન બાળકને સમર્પિત કરે છે. શિક્ષક માત્ર  શિક્ષક નથી. માતા- પિતા, માર્ગદર્શક, જીવનપથના ભોમિયો છે. એટલે જ શિક્ષક ગુરુ છે. જે સમાજ અને રાષ્ટ્રમાં શિક્ષકનું મહત્વ વધારે અંકાય તે રાષ્ટ્ર મહાન છે. શિક્ષક નવપલ્લિત બાળજીવનનો સર્જનહાર અને પાલનહાર છે. માટીના પીંડને ઘડનાર શિક્ષક પ્રેમભાવવાળો, દીર્ઘદ્રષ્ટિવાળો નમ્ર, પ્રમાણિક, કર્તવ્યપરાયણ, જ્ઞાનની સરિતા વહાવનાર જ્ઞાની, વિદ્વાનપંડિત, જ્ઞાનકોષનો ભંડાર છે. તે વ્યક્તિ વિશેષ તરીકે ગુરુપદનો અધિકારી છે.
         બાળકે જો વિધા મેળવવાની હશે તો તેની પાસે નમ્રતા જિજ્ઞાસા, સહનશીલતા અને સેવા આ ચાર ગુણો હોવા જરૂરી છે. કારણ કે નમ્રતા વગર મેળવેલ જ્ઞાન મળે તો પણ ટકતું નથી. એક જ ગુરુ રોણા ગુરુ દ્રોણના બે શિષ્ય અર્જુન અને દુર્યોધનમાં રહેલો તફાવત. “વિદ્યા વિનયેન શોભતે ” વિદ્યા વિનયથી જ શોભે છે.  વ્યક્તિ પાસે ઘણી વિદ્યા હોય, વિદ્વાન હોય બુદ્ધિશાળી હોય પણ જો તેનામાં વિનય -નમ્રતા ન હોય તો તે વ્યક્તિ પૂજનીય બનતો નથી. ગુરુ પાસે તો અખૂટ જ્ઞાનનો ભંડાર હોવો જોઈએ. ગુરુ બાળકને જીવન જીવવાની કળા અને કૌશલ્યો શીખવે છે. સંદીપનીના શિષ્ય કહેવડાવવામાં કૃષ્ણ, સુદામા ગૌરવ અનુભવતા. વિશ્વામિત્રની સેવા કરવામાં રામ – લક્ષ્મણ કદી થાક્યા ન હતા. તે હતી ગુરુભક્તિ. પશુરામ પાસેથી જ્ઞાન મેળવવા કર્ણ કષ્ટો સહન કર્યો. “ હું સોક્રેટિસનો  શિષ્ય છું ” એમ કહેવામાં પ્લેટો જીવનની  કૃતક્ત્યતા સમજતો. પ્લેટો  મારાં ગુરુ છે એમ કહેવામાં એરિસ્ટોટલને  જીવન ધન્ય લાગતું. જે શિક્ષક બાળકોને ઠાંસી ઠાંસીને head, hand and heart નું શિક્ષણ, સંસ્કાર પીરસી ભણતર સાથે તેનું ખૂબ યોગ્ય ઘડતર કરવામાં પોતાની શક્તિઓને કામે લગાડી પોતાનું હીર નીચોવી એક આદર્શ નાગરિકના રૂપમાં બાળકને તૈયાર કરે છે ત્યારે તે બાળક પોતાના ગુરુએ આપેલ વિપુલ ત્યાં જ્ઞાનને કેમ ભૂલી શકે ! તે તેના ગુરુજન માટે ખૂબ માન ધરાવે છે.
      શાળાએ બાળકના જીવન ઘડતરનું જીવતું જાગતું માનવ મંદિર છે. મંદિરોમાં માટી, કાષ્ટ, પથ્થર, ધાતુની મૂર્તિઓ હોય છે. પણ અહીં તો સજીવ બાલમૂર્તિઓ છે. શિક્ષકો દ્વારા તેમને સભ્યતા, વિનય વિવેક   સંસ્કાર અને ગુણવતાભર્યા શિક્ષણનું સિંચન કરવામાં આવે છે. સંસ્કારથી મેળવેલી માહિતીનો સદઉપયોગ કરી સદાચાર કરવા પ્રેરે છે. કુટુંબમાં માતા-પિતાના  સંસ્કાર પડશે ત્યાર પછી સમાજના સંસ્કાર પડશે, અને છેવટે શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોના સંસ્કાર બાળકોમાં પડશે. શિક્ષણ સાથે યોગ્ય સંસ્કાર મળે તો જ માણસ સત્કાર્યો કરવાને સમર્થ બને છે.
        વિદ્યાર્થીના સર્વાંગી વિકાસમાં શાળાના વર્ગખંડમાં જ થતું શિક્ષણ માત્ર પૂરતું નથી. સહઅભ્યાસ કે પૂરક અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારાવિદ્યાર્થીનું ઘડતર સારી રીતે થાય છે. શાળાનેઓને આનંદધામ બનાવવાથી જ સંસ્કારધામ અને વિધાધામ બની શકશે. શાળા એ વિદ્યાર્થી જીવનના સવાઁગી ભાવિ માટેનો ઉન્નતિપથ છે.શિક્ષક અને વિદ્યાર્થીને સોળે કળાએ ખીલવાની મોકળાશ મળે તે જીવંત અને ધમધમતી શાળા છે. પરંતુ તેનો આધાર વિદ્યાર્થીઓને ઘડનારા શિક્ષકો પર છે.
      શિક્ષક  એ બાળકની ઉમદા કેળવણી માટેનું અગત્યનું માધ્યમ છે. વર્ગ તથા વર્ગતર અન્ય શાળાકીય પ્રવૃત્તિઓમાં બાળકનો સૌથી વધુ સંપર્ક શિક્ષકો સાથે જ રહે છે. શિક્ષક તરીકે વ્યક્તિએ સાચા અર્થમાં આદર્શ બનવું જ જોઈએ શિક્ષણને મનુષ્યના ધડતરમાં ને એ દ્રારા સમાજના ધડતરમાં સીધો સબંધ રહયો  છે. શિક્ષકના માથાનું મૂલ્ય ઉચું છે. કારણ કે એ મસ્તિષ્ક દેશના ભાવિ નાગરિકોને કેવો બનાવવા તે નક્કી કરે છે. જો શિક્ષક સદ્ ગુણી હશે તો બાળક સદ્ ગુણી બનશે. બાળકોની નીડર, પ્રામાણિક, અભિગમવાળા કે જેવા બનાવવા હોય તેવા બનશે. તે માટે શિક્ષકનું માથું કેવું છે તે મહત્વનું છે. એ તો વિધુતશક્તિ ઉત્પન્ન કરનાર જનરેટર જેવું હોવું જોઈએ. સમાજમાં શિક્ષકનું જે ઉચું સ્થાન છે તે બીજા કોઈનું નથી. 
     ધરતીનો અંતિમ છેડો ઘર છે, તો શાળા એનો પ્રારંભ છે. આચાર્ય શાળારૂપી પરિવારનો વડલો છે. શિક્ષકો એ વડલાની ડાળીઓ છે. વિદ્યાર્થીઓ  એ વડલાની વડવાઈઓમાં કલરવ કરતાં પંખીઓ છે. એના કહુકાઓથી શાળારૂપી વડલાની ડાળીઓ છે. આ વડલાને સ્નેહરૂપી જળ સિંચવાનું કામ સંચાલક મંડળે કરવાનું છે. જેથી એ વડલો એની ડાળીઓ ફેલાવીને વડવાઈઓને પૂર્ણરૂપે ખીલવા દે અને  વડવાઈઓમાં કલરવ કરતાં પંખીઓનો મીઠો  મધુર ટહુકો સાંભળી હું ધન્યતા અનુભવી છું. સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાન માટે માતા-પિતા અને શિક્ષકોને કોટી કોટી વંદન.


Comments